Saturday, October 22, 2016

ડોક્ટરનું 'લાઇફ પ્રિસ્ક્રીપ્શન !'


ડોક્ટરનું 'લાઇફ પ્રિસ્ક્રીપ્શન !'

ક્યારેય કોઈ બીજાનું, પારકું કે ઉછીનું સપનું જીવશો નહીં. યાદ રાખજો, ગમે એટલી વાર પછડાટ મળે, ગમે એટલીવાર પાછા પડો, હારો, હતાશ થાવ, દુનિયાથી કંટાળો.. હિન્દી ફિલ્મોં કી તરહ લાઇફ મેં ભી અંત તક સબ કુછ ઠીક હો જાતા હૈ

પરીક્ષાના રિઝલ્ટસ પછી જિંદગી કેમ બનશે ?
આ સવાલના જવાબ ચાંપલા ચિંતકો કરતા વધુ બહેતર એ જ આપી શકે જેણે જિંદગીની કસોટીઓ હસતાં રમતાં પાર કરી હોય. જેમ કે, શાહરૃખખાન, સાવ ગપોડી મેસેજીઝ કે ફેક વિડિયોથી નાહક જ બદનામ આ સુપરસ્ટાર એકલપંડે સ્ટ્રગલ કરીને આગળ આવ્યો છે, એ સંઘર્ષગાથા બાબતે બેમત ન હોઈ શકે.
તો આ એસઆરકેને ગત ૧૫ ઓક્ટોબરે વિશ્વવિખ્યાત એડિનબરો યુનિ. દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી મળી, એ એની કમાણી જેવા જ ઇન્ટરનેશનલ ન્યુઝ હતા. ત્યારે એણે બહુ જ મસ્ત એવું ભાષણ આપેલું. પોતાની જ ફિલ્મોના નામ આપીને અભ્યાસક્રમની બહારનો જીવનના ઉતાર ચઢાવનો કોર્સ ભારે રસાળ રીતે પાકો કરાવેલો.
  
મોટા ભાગે મને આમંત્રણ મળે ત્યારે બધાની અપેક્ષા હોય છે કે હું કશીક સક્સેસની 'ટિપ્સ' આપીશ. સારું છે, હું એમને 'ટોઝ' (ટિપ્સનો એક અર્થ ટેરવા પણ થાય, ને ટોઝ એટલે અંગૂઠા !) નથી દેખાડતો ! વચ્ચે એકવાર મને 'ગ્લોબલાઇઝેશન એન્ડ ડીસરપ્ટીવ માર્કેટિંગ'ની કોન્ફરન્સમાં બોલાવવામાં આવ્યો. આ શી બલા છે, એ સમજવા માટે મેં ચાર કલાક અતિ વ્યસ્તતા વચ્ચે ગૂગલ પર માથાફોડી કરી, અને અંતે ગૂગલ પણ મદદ ના કરી શકે એવા એ બિહામણા દિવસે સ્ટેજ પર જઈને કોન્ફિડન્સથી હાથ હલાવી સ્માઇલ કરી કશું કહેવાને બદલે જસ્ટ લૂંગી ડાન્સ પરફોર્મ કર્યો લોકો ખુશ થઈ ગયા ! પણ આ તો પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય છે. માટે એવું નહિ કરું. અહીં મારે મારા લાઇફ લેસન્સ વિષે કહેવાનું હોય. પણ હું તો જે કંઈ શીખ્યો છું, એ મૂવીઝ પાસેથી જ ! આમ તો, શરૃઆતના તબક્કે મેં જે ફિલ્મો કરી, એના જ ટાઇટલ્સ માટે અમુક પાઠ ભણવા કાફી છે. જેમ કે, પહેલી ફિલ્મ મારી આવેલી : દીવાના.
વિદેશીઓને એની વાર્તા વિચિત્ર લાગશે, જેમાં હું એક યુવા વિધવા તરફ આકર્ષાઈને એની પાછળ પાગલ થઈ જાઉં છું અને હું હોસ્પિટલમાં હોઉં ત્યારે એને મારા તરફ પ્યાર થાય છે, મોટે ભાગે સ્ત્રીઓ માંદગી તરફ આકર્ષાતી હોય છે. સિકર ઇઝ બેટર ! ને એમાં એનો એક્સ હસબન્ડ અકસ્માતે મને મળે છે, ને એનો શેતાન કાકો વિલનગીરી કરે છે. ને પૂર્વપતિ આપઘાતી કામીકાઝી હરકતથી બલિદાન આપી અમારો જીવ બચાવે છે, ને હેપી એન્ડિંગ.
મેડનેસ. એટલે સાવ કોઈનું નુકસાન કરે એવી નહિ, પણ સારા અર્થમાં દીવાનગી. સફળતા માટે એ જરૃરી છે. નાની નાની આપણી ક્રેઝીનેસથી શરમાઈને એણે દુનિયાથી છુપાવવાની જરૃર નથી. એનો સ્વીકાર કરી જે એક જ જિંદગી જીવવા મળી છે, એના માટે એનો ઉપયોગ કરો. તમામ સુંદર, મહાન, ક્રાંતિકારી, સંશોધક, સર્જનાત્મક લોકો આ જગતમાં ત્યારે જ કશુંક કરી શક્યા જ્યારે અમુક પાગલપનને એમણે ધરાર જાળવી રાખેલું 'નોર્મલ' જેવું કશું હોતું નથી. નોર્મલ એટલે 'લાઇફલેસ', ફિક્કા માટેનો એક શબ્દ.
પછી તરત જ મેં ફિલ્મ કરી, એનું નામ 'ચમત્કાર'. જેમાં હતાશ થઈ કબ્રસ્તાનમાં બેઠેલા યુવાનને એક ભૂત મળે છે. અને ભૂત એના માટે મદદગાર સાબિત થાય છે. અને ભૂતની જ દીકરીના પ્રેમમાં એ પડે છે અને એ ક્રિકેટ મેચનું આયોજન કરે છે. (હા, આઇપીએલમાં ટીમ ખરીદતા પહેલાં ય આવું હું કરતો પડદા પર !) અને છેલ્લે ઢીશુમ ઢીશુમ, ધમાલ ને ખાધુ, પીધું ને રાજ કીધું.
પોઇન્ટ ઇઝ, કે તમે બધું જ ગુમાવીને મડદું થઈને પડયા હો, કોને ખબર ત્યારે જ કોઈ મદદગારનો ચમત્કાર તમારી સાવ પાસે હોય ! મતલબ, ગમે તેટલા સંજોગો ખરાબ હોય, લાઇફ ઇઝ મિરેકલ યુ સર્ચિંગ ફોર. જરાક ભરોસો રાખો, અને જિંદગીને એની ગતિમાં ચાલવા દો. થાય એટલા સાચા પ્રયત્નો કરો અને એ સાવ પાણીમાં નહિ જાય. તમારી પાસે રહેલી જીવનની બધી ભેટસોગાદોનો ઉપયોગ કરો. માનસિક બુદ્ધિ, તમારા દિલની પ્રેમ કરવાની અને આસપાસ રહેલાની લાગણી સમજવાની ક્ષમતા, તમારું આરોગ્ય અને ભાગ્ય બધાનો મહત્તમ ફાયદો લો. જીવનનું સન્માન કરો. એનાથી ભાગો નહિ, દરેક ક્ષણ અને દરેક તકને આદર આપો એને વેડફો નહીં. સફળતા એ જ છે કે જીવનને તમે જે આપ્યું છે, એનો તમે ભરપૂર અને સારો ઉપયોગ કરો.
ક્યારેક જો કે, લાઇફની ગિફ્ટ્સ છેતરામણા સ્વાંગમાં આપણી સામે આવે છે ત્યારે એણે ઓળખવી પડે અને આપણા ભયને દાવ પર લગાડવાનું જોખમ પણ લેવું પડે. જેમ કે, મારી બે એન્ટી હીરો ફિલ્મ : ડર અને બાઝીગર.
વીસ વરસ પહેલાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા રોલ નક્કી થયેલા હતા, સ્ટારડમનો સિક્યોરિટી ઝોન હતો. તમે એન્ગ્રી યંગમેન તરીકે સફળ થાવ તો આખી કરિયર દરમિયાન એન્ગ્રી અને યંગ રહેવું જ ફરજીયાત. ૩ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરનો રોલ કરો તો બાકીની ૩૩ એ માટે જ મળે. આવું જ સ્ત્રીઓ માટે. પત્ની બને એ પત્ની જ બનતી રહે. લલચાવતી લલના કાયમ એ રૃપમાં આવ્યા કરે. સાસુ થાય એ સાસુ તરીકે જ દેખાય ! બહુ ઓછા લોકો રોમેન્ટિક લવરને બદલે વાયોલન્ટ ઓબ્સેસીવ લવર બનતા. મેં એ ખાંચો પૂર્યો. એવું નહિ કે બહુ બહાદુર હતો એટલે, પણ એક દિગ્દર્શકે મને કહેલું કે તું કદરૃપો છો, ચોકલેટી નથી એટલે ખૂબ બધી ચોકલેટ ખાતા ખાતા મેં આ ફિલ્મો કરી લીધી, હીહીહી.
તમને બધા જ બહાદુરીની શિખામણ આપીને બોર કરતા જ હશે એટલે હું વધુ તો નહિ કરુ. પણ એટલું કહીશ કે બહાદુર હોઉં એટલે જે પાર્ટીમાં જતા તમને નવનેજાં પાણી ઉતરતા હોય, એમાં તમારા ટીનએજ સંતાનના મિત્રો સામે અંદરથી ગભરાતા હોવા છતાં નાચો. ડુ ઇટ. તમારા ભયને તમારી આસપાસની દિવાલ ના બનવા દો. એનો સામનો કરો. એને અનુભવો અને એને ભવ્ય હિંમતમાં પલટાવો. હું ખાતરી આપું છું. કશું ખાટુંમોળું નહિ થાય. પણ તમે ડરમાં જીવશો તો બધા જ પાસા અવળા પડશે, અને પેલો ડાન્સ પણ કર્યો નહિ હોય તો ય !
અને બધા શું કહે એની વાત નીકળી જ છે તો કહી દઉં, જગતનું બધું આયોજન કરશો તો ય જ્યાં પહોંચવા માંગો છો ત્યાં નહિ પહોંચી શકો એમ પણ બનશે ! વીસ વરસ પછી શું હશો એ એમ કોઈ જાણી શકતું નથી. આમે ય મોટા ભાગના આગળ વધીને બનકર જ થઈ જાય છે. ઓહ ! આ યુયુબ પર મુકાશે તો મને નવી ફિલ્મ માટે લોન નહિ મળે ! ખીખીખી.
મેં એક ફિલ્મ કરેલી 'કભી હાં, કભી ના'. જેમાં હું લવર્સ કન્ફ્યુઝનનો ભોગ બનેલો, અને નેકસ્ટ પાઠ પણ આ જ છે. કન્ફ્યુઝ્ડ થવું, મૂંઝાવું એ કોઈ અપરાધ નથી. કન્ફ્યુઝન જ ક્લેરીટી સુધી પહોંચવાનું મૂળિયું છે. માટે એ બાબતે બહુ ચિંતા ના કરવી અને ખુદના વિચારો બાબતે એટલી હદે સ્પષ્ટ પણ ના થઈ જવું કે બીજાના ઉમદા વિચારોને આદર આપવાનું બંધ કરી દો. આપણા મૂલ્યો આપણા પોતાના છે. એ આપણને કોઈ રીતે બીજાથી શ્રેષ્ઠ બનાવતા નથી. વધુમાં વધુ એ આપણને બીજાથી અલગ બનાવે છે. બસ, બીજાનું સત્ય શું છે, એ ય જોવાનો પ્રયાસ કરવો. કારણ કે જેમ દરેક મૂવીની એક વાર્તા હોય છે, એમ દરેક માણસની પણ કોઈ કહાની હોય છે અને તમને કોઈ હક નથી એવું ધારવાનો, કે તમારી સ્ટોરી જ બીજાઓ કરતા વધું સારી છે.
અને હવે જે ફિલ્મની વાત કરું છું, એને તો વિચિત્ર સ્ક્રીપ્ટનો ઓસ્કાર મળે છે એમ છે ! ગુડ્ડુ. જેમાં એક એક્સીડેન્ટ થાય છે પણ દીવાનાની જેમ સાસુ સાથે નહિ, અને એ અકસ્માતમાં મારા પત્રાની ગર્લફ્રેન્ડની આંખો જતી રહે છે. અને પછી તો એમાં બ્રેઇન ટયુમર ને કાનુની મુકદ્દમો ઉમેરાય છે. અંતે મારા પિતા, હું, મારી બા બધા ઝગડે છે કે કોણ ચક્ષુદાન કરે અને અચાનક હું બચી જાઉં છું ને મારી મા મરતા પહેલા મારી પ્રેયસીને આંખો આપે છે ને ઘીના ઠામમાં ઘી પડી રહે છે.
લાઇફ લેસન એ છે કે, તમારી જાતને બીજા માટે ખર્ચો. કશુંક આપો. અને આમ ઉદાર આચરણ કરવામાં તમે કોઈના પર કશો ઉપકાર કરો છો એમ ના માનો. બસ એ કારની અંદર એક આનંદનો ચમકારો થાય છે, એ જ પૂરતું છે. માયાળુપણાના કોઈ કામને લીધે, દાનને લીધે સૌથી વધુ ફાયદો એ મેળવનારને નહિ પણ તમને જ થતો હોય છે. કર્મનો આ નિયમ છે, જે જોઈ શકાય એમ છે. હું સારું કરું તો મને ફાયદો થાય વાળું સૂત્ર જાણે સ્વર્ગમાં સફેદ દાઢીવાળા ભાભા કશીક નોંધ કરતા હોય એમ માનીને રટવું, એ નકામું છે. સારું કામ તમે જ્યારે એમાં તમારો કર્તાભાવ જતાવો છો, ત્યારે નઠારું બની જાય છે. ભલે ગમે એટલી નમ્રતાથી, ગમે એટલી સાદગીથી એની નોંધ લેવડાવો પણ એ સૂક્ષ્મ અહંની ખબર પડી જ જતી હોય છે. તમે ગમે એટલા શ્રીમંત હો, પ્રસિદ્ધ હો, સફળ હો - ક્યારેય તમારી ઉદારતાનો લાભ મેળવનારાની ગરિમા ઓછી આંકવી નહિ ! તમારા મિત્રને તમે મોંઘી ગાડી ભેટ આપો, પણ કોઈક નબળી ક્ષણે આવેશમાં આવી એનું અપમાન કર્યું હશે તો એનો એ વિકલ્પ નથી.
ક્યારેક ઘટના એમ જ બને છે. મારું એક પિક્ચર હતું : 'કુછ કુછ હોતા હૈ'. એવું નથી કે કાયમ એ સારા માટે જ થાય કે આપની પ્રગતિ જ કરે (તો તો હું 'વન ટુ કા ફોર'ની વાત કહેતો હોત !) મારો પાઠ એટલે જ છે કે, જીવન તમને જોરદાર ઝટકો આપે, ત્યારે રોલ્સ રોયસથી રાહત નહિ મળે, પણ કોઈ ખરા મિત્રની હૂંફથી રાહત મળશે ! અને બહુ ઝડપથી કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો હાંફળાફાંફળા ના થતા. સમય જતાં બધું જ આપની આસપાસ વિકસે છે, વિસ્તરે છે. ચલતે ચલતે. (ના વધુ એક પાગલપણાની વાર્તા આ ફિલ્મની નહિ કહું !)
દરેક આફતનો અંતે તો અંત આવે જ છે. જરાક જીવનને સમય આપો અને એની રીતે આગળ ચાલવાની જગ્યા આપો. એની ગતિને ધકકો મારવા માટે તમે જ્યારે દુ:ખમાં હો કે હર્ટ થયા હો ત્યારે ખુદ માટે જરા સ્નેહ રાખો. બધી જ બાબતના છેડા ગોતવાની બધા જ સંજોગોના કારણો શોધવાની કે બધા જ ખુલાસા આપવા- લેવાની જરૃર નથી. ક્યારેક જે થાય એ સ્વીકારી લેવાનું. રામ જાને. મારી આ ટાઇલવાળી ફિલ્મમાં અનાથ બાળક પોતાનું નામ પૂછે છે, ત્યારે પાદરી આ જવાબ આપે છે. અને આ છે નેક્સ્ટ લેસન. તમે તમારી જાતને કોઈ નામ આપો કે લોકો તમને કોઈ નામ આપે. નહીં તો પ્રિન્સના નામે ઓળખાતા આર્ટીસ્ટની જિંદગી ખરાબે ના ચડી હોત ને સોશ્યલ મીડિયાના અભિપ્રાયો વાંચશો તો મારા વિષે કોઈ ઉંચો અભિપ્રાય જ નહિ રહે ! અંતે તો એ લેબલ જ છે. એનાથી તમારી વ્યાખ્યા નથી થતી. એ લેબલ્સ ગમે તેટલા વખાણના હોય કે વખોડવાના હોય. તમારી ઓળખ એ નથી કરવાના, તમારું હૃદય, એ તમારી પહેચાન છે.
કોઈ બાબત માટે તમારામાં જો જેન્યુઇન ઉત્સાહ નહી ં હોય, હિન્દીમાં કહું તો જોશ નહિ હોય, છાતીમાં આગ નહિ હોય કશુંક કરી દેખાડવાની, તો તમારો સમય અને તમારા પર આશા રાખીને બેઠેલા બીજાઓનો સમય વેડફતા નહિ. જરૃર પડે જાતને બદલાવો, નવેસરથી ઘડતર કરો પણ તમારી રીતે આગળ વધો. 'માય નેઇમ ઇઝ ખાન'માં મારું પાત્ર હતું એમ તમારા જે મૂળિયા હોય, તમે ક્યાંથી આવ્યા છો અને અંદરથી વાસ્તવમાં શું છો એ ભૂલતા નહિ. તમારા જીવનની અંધાધૂંધીમાં આ તમારો ઉછેર એ કમ્પાસ બનશે અને ધુ્રવતારકની જેમ તમને  દિશા બતાવશે. પછી ભાગ્ય વરસી પડયું હોય કે રૃઠી ગયું હોય - એ જ આપણી સાચી દિશા છે.
મારી એક અણધારી મોટી હિટનું ટાઇટલ હતું : ચક દે. શીખ સૈનિકો દુશ્મનો સામે બાથ ભીડવા જ્યારે પુલ બનાવવા પથ્થર ઉંચકતા ત્યારે પાનો ચડાવવા માટે આ શબ્દ બોલતા. એમાંથી મને નવું લેસન મળ્યું : ઉભા થઈને આગળ વધવાની ઇચ્છા. જે બાબત તમને આગળ વધતા અટકાવતી હોય એનો મુકાબલો કરવા તમારે ઊભા થવું પડશે અને નવી દિશામાં તમારો માર્ગ કંડારવો પડશે. બખાળા કાઢવાને બદલે કામ કરો. ઉદાસી અને ખુશી બંને સમાન છે, જિંદગી એટલે બંને વચ્ચે ચાલતી પરસ્પર આદાનપ્રદાનની સંતુલિત પ્રક્રિયા અને નવો પાઠ : બેમાંથી કોઈ સાથે એટેચ્ડ થતા નહીં બંને સમાન વેગે બદલાયા જ કરશે. એમની આ અનિશ્ચિતતાઓની ખુમારીથી અપનાવવી અને તંદુરસ્ત રમૂજવૃત્તિ રાખીને હસી કાઢતા શીખવું. જાત પર હસવું, બે-ચાર આંસુ પાડીને ય હસવું. કભી ખુશી કભી ગમ. મારી આ ય ફિલ્મ હતી. જિંદગીની રોનક એને ભરપૂર જીવી લેવામાં છે. માત્ર દુ:ખ કે સુખને પંપાળવામાં નથી.

લિવ ફ્રોમ હાર્ટ. દિલ સે. લોકોને, તમારી આસપાસના વિશ્વને, પશુ-પંખીને, મોટા શહેરો અને ઊંચા પહાડોને, સપનાઓને, જીવનને પ્રેમ કરો. અને ખાસ તો લવ યોરસેલ્ફ. લાઇફ તમારા માટે જે કંઈ સાચવીને રાખે છે એને આવકારો. તમારા અંતરને  સમુદ્ર જેટલું ઊંડુ અને ક્ષિતિજ જેટલું પહોળુ. રાખો એની કોઈ મર્યાદા નથી. પ્રેમ એટલે બહાનું, કબજો કે સોદાબાજી નહિ. એ જ એક કારણ છે, જેનાથી તમે ખુદને સ્પેશ્યલ કહી શકો. કોઈ કે જેને તમે ચાહતા હો એ તમારો વિશ્વાસ તોડે, તો એના પરના ભરોસા માટે જાતને ન કોસો. પણ આપણો પ્રેમ એને માફ કરવા પૂરતો ઓછો પડયો એની ફિકર કરો.
આપણે જાણતા નથી. ભવિષ્ય આપણા માટે કેવું હશે, શું લાવશે. મારી એક ફિલ્મ હતી 'કલ હો ન હો' જેમાં હું સ્મોકર નહોતો તો ય યુવાન વયમાં મરી જાઉં છું. એક જમાનામાં મારા બાળકો એ જોઈ ડિપ્રેસ ન થાય એટલા માટે મેં એનો બીજો એન્ડ પણ શૂટ કરાવેલો. પણ હવે એ મોટા થયા એમની અદ્ભુ યાત્રા જાતે ખેડવા માટે. મારી આજની વધુ પુખ્ત અને ડાહી સમજણ એમને કહે છે કે આજની ક્ષણ જીવી લો ચસચસાવીને. લિવ નાઉ, લિવ ટુડે. જવાન આંખોને કદાચ બધું પૂરું સમજાશે નહીં, પણ આ જ સમય છે - સૌથી વધુ માણી લેવાનો. આવતીકાલે તો આપણે બધા મરી ગયા હોઈશું. ને પછી પુનર્જન્મ ના હોય તો ચાન્સ કોણ લે ? મારે મૃત્યુની વાતોથી પૂરું નથી કરવું.
મહત્ત્વની વાત છે આજ. આજે ખૂબ ભણી લો, ખૂબ મહેનત કરો, મોજથી રમી લો, બહુ બધા સિદ્ધાંતોના પાલનમાં સમય ન વેડફો. કોઈને છેતરો કે દુ:ખી ન કરો અને ક્યારેય કોઈ બીજાનું, પારકું કે ઉછીનું સપનું જીવશો નહીં. યાદ રાખજો, ગમે એટલી વાર પછડાટ મળે, ગમે એટલીવાર પાછા પડો, હારો, હતાશ થાવ, દુનિયાથી કંટાળો.. હિન્દી ફિલ્મોં કી તરહ લાઇફ મેં ભી અંત તક સબ કુછ ઠીક હો જાતા હૈ, ઔર અગર ન હો તો પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત ! જુઓને આ જેનામાં ચોકલેટનો કોઈ ટેસ્ટ નથી, એવો માણસ પણ બોલીવૂડનો મોસ્ટ રોમેન્ટિક હીરો બની જાય છે ને !
ચાલો, હવે બોર થયેલા પ્રોફેસરો માટે લૂંગી ડાન્સ !

ઝિંગ થિંગ
'મુઝે ગિરાને સે પહેલે તુઝે મેરી ઉંચાઈ તક પહોંચના પડેગા' ('ફેન' ફિલ્મમાં શાહરૃખખાન)


Source:http://gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal-magazine-gujarati-writer-anavrut-jay-vasavada-1-june-2016

No comments:

Post a Comment